Friday, April 12, 2019

ચૂંટણીનો એજન્ડા સેટ કરવામાં ભાજપ અને કોંગ્રેસ બંને અસફળ.

લોકસભાની ચૂંટણી સંદર્ભે ટ્રૈન, બસ, મેટ્રો, ગાર્ડન માં તેમજ અન્ય સાર્વજનીક જગ્યાએ અલગ અલગ લોકોના મોઢે અવનવી વાતો સાંભળવા મળી રહી છે.  આ માહોલ વર્ષ ૨૦૧૪ અને ૨૦૦૯ ની લોકસભા ચૂંટણીઓ કરતાં તદ્દન અલગ છે. ભયંકર ભ્રષ્ટાચારથી ખદબદતા યુપીએ-2ના શાસનકાળ ના આખરી દિવસો દરમિયાન એટલે કે 2014 ની ચુટણી વખતે લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારીઓને ગાળો આપી રહ્યા હતા.  આનાથી વિપરીત રીતે વર્ષ ૨૦૦૯ ની ચૂંટણી દરમ્યાન સહુ કોઈ ના મોઢે આર્થિક વિકાસ ની પ્રશંસા સંભળાતી હતી. આ બંને માહોલ ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ આવ્યું હતું કે આગામી સરકાર કોની હશે. આજના સંદર્ભમાં નિશ્ચિત પણે ભારતીય જનતા પાર્ટી નું પલડુ કોંગ્રેસ કરતાં અનેક ગણું ભારે છે પરંતુ માહોલ વર્ષ-2014 જેવો નથી. ખરી રીતે કહેવા જોઈએ તો આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમ બેય પાર્ટીઓ  ચૂંટણીનો એજન્ડા સેટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. વાતને આગળ વધારતાં પહેલાં ચૂંટણીનો એજન્ડા કોને કહેવાય તે જરા સમજી લઈએ.



ચૂંટણીમાં કોણ આગળ રહેશે અને કોને કેટલી સીટો મળશે તેનો બહુ મોટો આધાર એ વાત પર રહેલો હોય છે કે જે-તે ચૂંટણી કયા એજન્ડા હેઠળ થઈ રહી છે.  સામાન્ય માણસો આને ચૂંટણીનો મુદ્દો કહે છે.પરંતુ સૂક્ષ્મ રીતે જોતાં ચૂંટણીનો મુદ્દો અને ચૂંટણીનો એજન્ડા એ બંને અલગઅલગ બાબતો છે. ચૂંટણીનો મુદ્દો એ ચૂંટણીના એજન્ડામાંથી પેદા યેલો એક વિષય માત્ર છે. ચૂંટણી સમયે અનેક મુદ્દા સમાચાર પત્રો અને ટેલિવિઝન ચેનલની હેડલાઈન બનતા હોય છે અને અમુક જ દિવસમાં તે મુદ્દો ગાયબ પણ થઈ જાય છે. આવા અનેક મુદ્દાઓ એક પછી એક સમાચારમાં છવાયેલા રહે છે જેને કારણે એક માહોલ પેદા થાય છે.  આ આખો માહોલ પેદા કરવા માટે રાજનૈતિક પાર્ટીઓ દ્વારા એક રણનીતિ અપનાવાતી હોય છે. રાજનૈતિક દળો ચૂંટણીનો એજન્ડા સેટ કરવા માટે વર્ષો સુધી મહેનત કરે છે. કોઈ એક રાજનૈતિક દળ જે દેશની આગેવાની લેવાનો નિર્ણય કરે છે, તેને પહેલા જ પ્રયત્ને સફળતા નથી મળતી.  જે-તે રાજનૈતિક પાર્ટી એ સફળતા માટેવર્ષો સુધી મહેનત કરવી પડે છે. એક નિશ્ચિત ભૂભાગમાં લોકો સાથે સતત સંવાદ કરતા રહેવું અને તેની સાથે લોકોને ગળે પોતાની વાત ઉતારવી એ એક રાતનું કામ નથી. આ કામ માં વર્ષો નીકળી જાય છે અમુકવાર દશકો પણ વીતી જતા હોય છે. જે પોલિટિકલ પાર્ટી ને રાતોરાત સફળતા મળી જાય છે તે એ જ રીતે રાતોરાત ખલાસ પણ થઈ જતી હોય છે. ભારત દેશમાં આવી સખત મહેનત કરી લોકો વચ્ચે પોતાનો પ્રભાવ પેદા કરનાર ફક્ત બે જ પાર્ટી છે. પહેલી ઈંડિયન નેશનલ કોંગ્રેસ અને બીજી ભારતીય જનતા પાર્ટી. અન્ય તમામ ક્ષેત્રીય દળો અલગ-અલગ રાજ્યોમાં અથવા અલગ અલગ જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે જેથી તેઓનો પ્રભાવ રાષ્ટ્રીય રાજનીતિ ઉપર રહ્યો નથી.  
એવું જરૂરી નથી કે માત્ર રાજનૈતિક પાર્ટીઓ જ ચૂંટણીનો એજન્ડા નક્કી કરે. ક્યારેક સરકારની નીતિઓ થી પરેશાન થયેલા લોકો પોતાના મનથી ચૂંટણીનો એજન્ડા નક્કી કરી લેતાં હોય છે.  જે આપણે ઈમરજન્સી બાદ થયેલી ચૂંટણી દરમિયાન જોયું છે. લોકો જે મુદ્દાને મહત્વપૂર્ણ સમજે છે તેને ધ્યાનમાં રાખીને વોટીંગ કરતા હોય છે. હાલના સમયમાં હજી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે લોકો ખરેખર કયા મુદ્દાને મહત્વ આપીને વોટિંગ કરશે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રવાદ છે. જેમાં ભ્રષ્ટાચાર નો તિરસ્કાર, રાષ્ટ્રની સુરક્ષા, આતંકવાદનો સર્વનાશ, કાશ્મીર સમસ્યાનું સમાધાન, રાષ્ટ્રીયકૃત નીતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકાર અને જનતા ને નજીક વવા જેવા મુદ્દાઓ શામેલ છે.  બીજી તરફ કોંગ્રેસ પાર્ટી નો પ્રાંતવાદ, ક્ષેત્રવાદ, આર્થિક રીતે નબળા વર્ગને સીધા પૈસા આપવા, લઘુમતીઓને વધુ અધિકાર આપવા, કાશ્મીર મુદ્દે કાશ્મીરના લોકોને જોઈતું સમાધાન કરી આપવું, સમાજના અનેક વર્ગોને આરક્ષણ આપવું જેવા મુદ્દાઓ શામેલ છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય નીતિઓ પર ચાલનાર પાર્ટીએ હંમેશા કપરા ચઢાણ ચઢવા પડે છે. એ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી સાથે દેખાઈ રહી છે. એનડીએનું ગઠબંધન તો ઘણું મોટું છે પરંતુ મોટા ક્ષેત્રીય દળો ભારતીય જનતા પાર્ટી થી દૂર રહ્યા છે. આનાથી ઠીક વિપરીત કોંગ્રેસ પાર્ટી અલગ-અલગ રાજ્યોમાં ક્ષેત્રીય દળો સાથે ગઠબંધન કરવાની ભરપૂર કોશિશ કરી રહી છે. તેમના મુદ્દાઓને રાજ્યોમાં અલગ-અલગ સમુદાયનો ટેકો મેળવી ચૂકેલા ક્ષેત્રીય દળો ભરપૂર મદદ કરી રહ્યા છે. આનું પ્રમુખ કારણ એવું છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં ટકી રહેશે તો ક્ષેત્રીય દળોને આગળ વધવાની ભરપૂર તકો મળશે.  જ્યારે કે ભારતીય જનતા પાર્ટી જો વધુ એક વખત સત્તામાં આવી તો તેમનું રાજકારણ પૂરું થયું સમજો. આ જ કારણ છે કે આજે તમામ ક્ષેત્રીય દળો પોતાના વોટર સમુદાયની વચ્ચે પોતાની વાતો એગ્રેસીવ રીતે રજુ કરી રહ્યા છે. આ ગૂંચવણ ભરેલી પરિસ્થિતિમાં જનતા પોતે ગુંચવાઇ ગઇ છે. વિભિન્ન ક્ષેત્રોમાં વિભિન્ન સમુદાયોની વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ કામ કરી રહ્યા છે. જેને કારણે એક સ્વીકૃત મુદ્દાની સહમતી સધાઈ શકી નથી. છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે એકેય ભ્રષ્ટાચાર કર્યો નથી.  રાફેલ જેવા મુદ્દા ની સુપ્રીમ કોર્ટમાં હવા નીકળી ગઈ છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે મોજુદા સરકારને દસમાંથી દસ પૂરા માર્ક મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરાં ચઢાણ છે. ધ્યાનથી જોઈએ તો વર્ષ 2018 માં રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર વિરુદ્ધ સક્ષમ રીતે મુદ્દાઓ માંડ્યા હતો. આર્થિક મંદી, બેરોજગારી, રિઝર્વેશન જેવા મુદ્દાઓ ઉપર તેમને વ્યાપક જનસમર્થન મળ્યું હતું. દેશની ન્યાય વ્યવસ્થા, સીબીઆઈ અને નોકરશાહી માં થયેલી  બંડખોરી ને કારણે તેમને સ્વાભાવિક લાભ મળ્યો. બરાબર આ જ સમયે મહાગઠબંધનની ભૂમિકા આકાર લેવા માંડી. પરંતુ જાન્યુઆરી 2019 પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી નાખી અને ફરી એક વખત રાષ્ટ્રીય સુરક્ષાના મામલે આખો દેશ મોદી સરકાર ની પાછળ ઉભો રહ્યો. હવે કોંગ્રેસ પાર્ટી ફરી એક વખત પોતાના ચૂંટણીના એજન્ડાને સેટ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ ઘણું મોડું થઇ ગયું છે.

એકંદરે એવું લાગી રહ્યું છે કે ભારતની જનતાએ કોઈ એક મુદ્દાને સર્વ સ્વીકૃતિ આપી નથી.  આ પરિસ્થિતિમાં ચૂંટણીના પરિણામો અણધાર્યા આવશે. એક વાત પાકી છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ રહેશે.


No comments:

उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।