Friday, April 12, 2019

આંધ્ર પ્રદેશ માં ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ વચ્ચે જંગ...


૧૧મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થશે.  જે રાજ્યોમાં પહેલા ચરણમાં મતદાન થવાનું છે તેમાં આંધ્રપ્રદેશ સામેલ છે.  આજે સવાલ પૂછાઇ રહ્યો છે કે આંધ્ર પ્રદેશમાં  કોને વધુ સીટો મળશે.  કારણકે ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વિરુદ્ધમાં રણશિંગુ ફૂંક્યું છે.  સાથે જ કોંગ્રેસથી સલામત અંતર જાળવ્યું છે.  પોતાની રાજનીતિ ને બચાવવા માટે ગમે તે હદ વટાવી ને ભારતના સંઘીય ઢાંચાને  નુકસાન પહોંચાડવાનું  કામ ચંદ્રબાબુ નાયડુએ છેલ્લા એક વર્ષ દરમિયાન કર્યું છે.  આ વાતને આગળ વધારતા પહેલા આંધ્રપ્રદેશના આંકડાઓ પર એક નજર નાખીએ.  આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠકો છે.  અહીં તેલુગુ દેશમ પાર્ટી પાસે 25, વાય એસ આર કોંગ્રેસ પાર્ટી પાસે 8, ભારતીય જનતા પાર્ટી પાસે બે બેઠકો છે.  જ્યારે કે કોંગ્રેસ ગત ચૂંટણીમાં અહીંયા પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી.  આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ છે.  અહીં વિધાનસભાની 175 બેઠકો છે. એક જ તબક્કામાં લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન થશે.  ગત લોકસભાની ચૂંટણી દરમિયાન વાયએસઆર કોંગ્રેસને 46% મત મળ્યા હતા પરંતુ તેમને ઓછી સીટો મળી હતી, જ્યારે કે ચંદ્રબાબુ નાયડુ ને માત્ર ૪૧ ટકા મત મળ્યા હતા પરંતુ તેઓ મેદાન મારી ગયા હતા.  ભાજપને અહીં માત્ર સાત ટકા મત મળ્યા હતા.  આ રાજ્યમાં 88% હિન્દુઓ છે પરંતુ તેમના મતોની વહેંચણી થઈ જાય છે.  જ્યારે કે 10 ટકા વસ્તી મુસલમાનોની છે.

 આ આખી ચૂંટણી દરમિયાન ચંદ્રબાબુ નાયડુ સમાચારોના કેન્દ્રમાં રહ્યા છે.  એનડીએ નો સાથી પક્ષ  હોવાને કારણે તેમણે પહેલા ચાર વર્ષ સત્તાનો સ્વાદ અને આનંદ માણ્યો.  ત્યારબાદ પોતાનો  સુર બદલી નાખ્યો.  વર્ષ 2014માં આંધ્ર પ્રદેશ રાજ્ય ના બે ટુકડા થયા અને તેલંગાણાના નામનો એક નવો પ્રદેશ બન્યો.  બસ ત્યાર બાદ ચંદ્ર બાબુ નાયડુ  માટે અઘરો સમય શરૂ થયો.  ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી તેમજ શહેરોમાં સરકારની વિરુદ્ધમાં આક્રોશ વધવા માંડ્યો,  એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર  ની અસર વર્તાવા માંડી.  બદલાયેલી પરિસ્થિતિમાં ચંદ્રબાબુ નાયડુ ને પોતાની રાજનીતિ આગળ વધારવાનો કોઈ માર્ગ ન મળ્યો.  આથી તેમણે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્ય સરકાર ની પોલીસી અપનાવી.  યોજનાબદ્ધ રીતે પહેલા તેમણે આંધ્રપ્રદેશ માટે એક પેકેજ માગ્યું.  પૅકેજ મળી ગયા બાદ  રાજ્યમાં અસંતોષ છે તે કારણ આગળ ધરી આંધ્ર પ્રદેશ ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી.  સ્વાભાવિકપણે આંધ્ર પ્રદેશ ને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાપાત્ર નહોતો.  આથી મોજુદા ભાજપ સરકારે દગો કર્યો છે તેવી દલીલ આગળ ધરી તેમણે આંધ્રપ્રદેશમાં ઠેકઠેકાણે પ્રદર્શનો અને પ્રેસ કોન્ફરન્સો કરવા માંડી.  આટલું કર્યા બાદ પણ ચંદ્રબાબુ ની વાત જનતાને વાત ગળે ન ઉતરી ત્યારે તેમણે ઐતિહાસિક પગલું ભર્યું. કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસ નો પ્રસ્તાવ લઇ આવ્યા.  મોદી સરકારની વિરુદ્ધમાં પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં  પોતાની વાત રાષ્ટ્રીય સ્તરે પહોંચે એટલે ભાજપ વિરોધી પાર્ટીઓનો સંપર્ક કરી અવિશ્વાસ પ્રસ્તાવ ને આગળ ધપાવ્યો.  ભારતની સંસદના કેટલાય કલાકો બરબાદ કરી નાખ્યા.  પાર્ટીની વાત જનતા સુધી પહોંચે એટલે  સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યા બાદ તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓએ આંધ્ર પ્રદેશમાં સ્થાનિક ભાષામાં પ્રેસ કોન્ફરન્સ કરી. પોતે મોદી વિરુદ્ધ માં સક્રિય છે એવું દેખાડવા દિલ્હી દોડી ગયા.  આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ,  ત્રીણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી,  રાહુલ ગાંધી, લેફ્ટીસ્ટ  વગેરે સાથે ભેગા મળી દિલ્હીમાં ધરણા આંદોલન કર્યા.  આ બધું કરવા પાછળ નું એક માત્રકારણ  એ હતું કે તેઓ પોતાની ના કામયાબી ઓ નો ટોપલો કેન્દ્ર સરકારના માથે ઢોળી શકે. આજની તારીખમાં આંધ્ર પ્રદેશમાં કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં વાતાવરણ પેદા કરવાની તેમની નીતિ અમુક વિસ્તારોમાં કારગર નીવડી છે.  તેલુગુ દેસમ પાર્ટીના કાર્યકર્તાઓ કમસેકમ લોકો વચ્ચે જઇને આ મુદ્દે વાત કરી રહ્યા છે. પોતાનો ઉગ્ર વિરોધ લોકો વચ્ચે રજૂ કરવા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની સીબીઆઇ સંદર્ભે ની સંધી તોડી નાખી.  એક સમયે એવું લાગતું હતું કે ચંદ્રબાબુ નાયડુ ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન બનાવવામાં કામયાબ રહેશે.  પરંતુ અઠંગ ખેલાડી ની માફક જ્યારે ગઠબંધન કરવાનો સમય પાક્યો ત્યારે પાણીમાં બેસી ગયા.  કોંગ્રેસ પાર્ટી થી સલામત અંતર જાળવી ચૂંટણીપૂર્વેના કોઈપણ પ્રકારના ગઠબંધનની ના પાડી દીધી.  આ કારણથી જ આજકાલ રાહુલ ગાંધી પણ ચંદ્રબાબુ નાયડુ ની વિરુદ્ધમાં નિવેદન આપવા માંડ્યા છે.

 બીજી તરફ રાજ્યમાં જગન મોહન રેડ્ડી કોંગ્રેસ પાર્ટીને મૂળમાંથી ઉખાડી નાખવામાં સફળ થયો છે.  છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેણે આંધ્ર પ્રદેશમાં ત્રણ યાત્રાઓ પૂરી કરી છે.  દરેક ગામડામાં પોતાના પક્ષના કાર્યકર્તાઓ બનાવ્યા છે.  સોશિયલ મીડિયા ઉપર એક ટિપ્પણી એવી ફરી રહી છે કે જગન રેડ્ડી એ પોતાની યાત્રાઓ પાછળ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.  વાયસર કોંગ્રેસ એ કોંગ્રેસ માંથી છૂટી પડેલી પાર્ટી છે. તેનું અસ્તિત્વ કોંગ્રેસ પાર્ટી ની બરબાદી માં સમાયેલું છે.  આગામી ચૂંટણીમાં જગન રેડ઼્ડી મોટાપાયે જીત મેળવે તો  આશ્ચર્યચકિત થવાની કોઈ જરૂર નથી.

 ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું આ રાજ્યમાં કંઈ ખાસ ઉપજતું નથી.  ભાજપ પાસે બે સીટો જરૂર છે પરંતુ તે જાળવી શકશે કે કેમ તે શંકાનો વિષય છે.  એમ આઈ એમ પાર્ટી હૈદરાબાદ સુધી મર્યાદિત છે.  10% મુસલમાનોને તેઓ સ્પર્શે છે પરંતુ કોઈ મોટી સફળતા મેળવે તેવું લાગતું નથી.  આ આખીયે પરિસ્થિતિને જોતા હાલ એવું લાગી રહ્યું છે કે વાય એસ આર કોંગ્રેસ અને ચંદ્રબાબુ નાયડુ ની તેલુગુ દેશમ પાર્ટી વધુમાં વધુ સીટો મેળવી જશે.  કેન્દ્ર  માં  કઈ પાર્ટી પાસે સત્તા બનાવવાના ઉજળા મોકા છે તે જોઈ ચંદ્રબાબુ નાયડુ નવું પગલું ભરશે. જ્યારે કે જગન રેડ઼્ડી  ચૂંટણી બાદ એનડીએ નો ધટક પક્ષ બની શકે છે.


No comments:

उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।